શ્રમ અને પુરુષાર્થ વિના સિદ્ધિ હાંસલ થઈ શકતી નથી-વત્સલ વસાણી
જગતમાં જે કોઈ પણ આગળ આવ્યા છે, નામના અને પ્રતિષ્ઠાને પામ્યા છે, કોઈ પણ ક્ષેત્રમાં સિદ્ધિ હાંસલ કરી છે, એમણે શ્રમ અને પુરૂષાર્થ તો કરવો જ પડ્યો છે સંસારમાં ક્યાંય પણ પહોંચવું હોય તો ચાલવું પડે છે. તમે ચાલો કે વાહનમાં બેસીને દોડો પણ ગતિ અનિવાર્ય છે. મંજિલ સુધી પહોંચવા માટે શ્રમ અને પુરૂષાર્થ કરવો જરૂરી છે. બેઠા-બેઠા, આળસુ અને એદી થઈને તમે ક્યાંય પહોંચી શકતા નથી. કશુંય મેળવી શકતા નથી. મેળવવા માટે હાથ લંબાવવો પડે છે. શારીરિક કે માનસિક, કોઈ પણ પ્રકારનો શ્રમ કર્યા વિના જીવનમાં કશુંય મેળવી શકાતું નથી. તમારે શું જોઈએ છે, ક્યાં જવું છે કે શું મેળવવું છે તે પ્રમાણે શ્રમ કરવો પડે છે. સ્થૂળ કશુંક મેળવવું હોય, ધન કે કોઈ ચીજવસ્તુ મેળવવાની ઈચ્છા હોય તો એમાં કોઈ ને કોઈ પ્રકારનો શારીરિક શ્રમ અનિવાર્ય બની જાય છે. પદ, પ્રતિષ્ઠા, માન-સન્માન મેળવવું હોય તો શ્રમ થોડો સૂક્ષ્મ અને માનસિક સ્તરથી કરવો પડે છે.
જગતમાં જે કોઈ પણ આગળ આવ્યા છે, નામના અને પ્રતિષ્ઠા પામ્યા છે, કોઈ પણ ક્ષેત્રમાં સિદ્ધિ હાંસલ કરી છે તો એ માટે એમણે શ્રમ અને પુરૂષાર્થ તો કરવો જ પડ્યો છે. ક્ષેત્ર સાહિત્યનું હોય કે સંગીતનું, કલા કે વિજ્ઞાનનું પણ શ્રમ કર્યા વિના ક્યાંય પહોંચાતું નથી. પ્રારબ્ધ પર આધાર રાખીને બેસી રહેનારા જીવનમાં ક્યાંય પહોંચી શકતા નથી. એદી અને કાહિલ લોકો જ ભાગ્યના ભરોસે જીવવામાં માને છે. અહંકાર અને પુરૂષાર્થ બન્ને અલગ છે. પુરૂષાર્થી લોકો અહંકારી પણ હોય એવું અનિવાર્ય નથી. માણસ વિનમ્ર રહીને પણ પુરૂષાર્થ કરી શકે છે અને એનું પરિણામ પણ પામી શકે છે. શારીરિક કે માનસિક પુરૂષાર્થના કારણે વ્યક્તિ નિશ્ચિત મંજિલ પર પહોંચી જાય કે સિદ્ધિના શિખરો સર કરવા લાગે તો મનમાં અહંકાર વધવાની શક્યતા છે. આવી સિદ્ધિ જીવનમાં સુખ કે આનંદ વધારવાને બદલે કલેશ કે વિષાદને પણ નોતરી શકે છે.
જીવનમાં ક્યાંય પણ પહોંચવું હોય, કશુંક ધારેલું પાર પાડવું હોય તો સૌથી પહેલાં એ દિશામાં ચાલવા માટેનો સંકલ્પ કરવો પડે છે. ડગુમગુ મનથી આગળ વધવું અશક્ય છે. નિર્ણય તો લેવો જ પડે. નિર્ણય કર્યા પછી એ દિશામાં વ્યવસ્થિત પુરૂષાર્થ, એકધારો શ્રમ અને વિવેકપૂર્વકની ગતિ જરૂરી છે. સંકલ્પ હોય અને એનું સાતત્ય ન હોય તો પણ ક્યાંય પહોંચાતું નથી. રોજ નવા તુક્કા જાગે અને એક પરથી બીજા પર કૂદતા રહેવાનું ચાલુ રહે તો નિશ્ચિત ઘ્યેય સુધી પહોંચવું અશક્ય છે. નિર્ણયો ભલે નાના હોય પણ એને વળગી રહીને પૂરા કરવાથી જ સંકલ્પબળ વધે છે. અને જેનામાં નિશ્ચય નથી, સંકલ્પનું સાતત્ય નથી તે સપના તો જોઈ શકે છે પણ એને સાકાર કરવાનું સદ્ભાગ્ય છેલ્લા શ્વાસ સુધી પણ એમને મળતું નથી. આવા માણસો નિસાસા નાખીને મરે છે.
તમે સામાન્ય માનવી હો કે અઘ્યાત્મ માર્ગના કોઈ સાધક, યાત્રાની શરૂઆત તો સંકલ્પથી જ કરવી પડશે. સંકલ્પ વિના અઘ્યાત્મની દિશામાં આગળ વધવું અશ્કય છે. મન તમને વારંવાર રોકશે. અટકી જવા માટે અનેક કારણો અને બહાના બતાવશે. બીજા અનેક અનિવાર્ય કામનું લિસ્ટ લઈને ઉભું રહેશે. કેમ કે તમે જો એ દિશામાં આગળ વધો તો એનું વર્ચસ્વ ઓછું થશે. તમે મનના ગુલામ નહીં પણ માલિક બનવાની દિશામાં આગળ વધી રહ્યા છો એટલે મન મરણિયો પ્રયાસ કરીને પણ તમને રોકવાની હરએક કોશિશ કરશે.
હા, એ વાત સાચી છે કે ધર્મ અને અઘ્યાત્મનું ચરમ શિખર તો સમર્પણ છે. તમારો શ્રમ કે પુરૂષાર્થ તમારી સીમાથી આગળ જઈ શકતો નથી. અને આ તો અસીમનો પ્રદેશ છે. શ્રમ કરી કરીને થાકો તો જ વિશ્રામનો સાચો સ્વાદ શક્ય છે. જે લોકો – 'શ્રમથી આ ક્ષેત્રમાં કશું જ મળતું નથી.' એમ માનીને બેસી રહે છે, આળસુ, એદી અને કાહિલ છે તે તો આ ક્ષેત્રમાં પહેલું પગલું પણ માંડી શકતા નથી. મનુષ્યયત્ન અને ઈશ્વરકૃપા આ બન્નેનું મિલન થાય તો જ ધર્મ અને અઘ્યાત્મના માર્ગ પર આગળ વધી શકાય છે. ઘ્યાન છે તો પરમ વિશ્રામ પણ આળસુ બનીને બેસી રહે એને ઘ્યાનનો સ્વાદ મળતો નથી. એટલી ઉંચી સમજ તો ભાગ્યે જ કોઈ વ્યક્તિમાં હોય જે શ્રમ કર્યા વિના પરમ વિશ્રામને પામી શકે.
સંકલ્પના રસ્તે ચાલ્યા વિના સીધા જ સમર્પણની યાત્રા પર નીકળી શકે. સંસારમાં ક્યાંય પહોંચવું હોય તો યાત્રા કરવી પડે છે પણ અઘ્યાત્મના ક્ષેત્રમાં બહિર્યાત્રા બંધ કરીને જ્યાં છો ત્યાં જ શાંત-સ્થિર બેસી રહેવું પડે છે. શ્રમ અને પુરુષાર્થ જ્યાં હારી જાય છે, થાકીને લોથ થઈ પડી જાય છે, ત્યાંથી જ આ ઘ્યાત્મની યાત્રા શરૂ થાય છે. પણ શ્રમ અને પુરૂષાર્થની ચરમસીમા પછી જ આ યાત્રા શક્ય છે, એ પહેલાં નહીં. પહેલાં તો દુનિયાનું બઘુ જ પામી લેવું પડે છે. બહાર ક્યાંય સુખ છે કે નહીં, એ શોધી લીધા પછી, સ્વાનુભવથી જ નિર્ણય પર આવવું પડે છે. અને અઘ્યાત્મના ચરમ શિખર પર પહોંચ્યા પછી છોડવાનું કશું નથી. માત્ર સમજવાનું છે. અંદર અને બહારના ભેદ, પદાર્થ અને પરમાત્માના ભેદ, શરીર અને ચેતનાના ભેદ, ધન અને ઘ્યાનના ભેદ – તમામ દ્વન્દ્વ જ્યારે મટી જાય છે ત્યારે જ ધર્મ અને અઘ્યાત્મના ચરમ શિખર પર વિરાજિત થવાનું સૌભાગ્ય મળે છે.
No comments:
Post a Comment