Total Pageviews

Search This Blog

Followers

Friday, February 19, 2010

બોર્ડના વિદ્યાર્થીનો તેના મમ્મી-પપ્પાને પત્ર

વ્હાલા મમ્મી-પપ્પા,

મારી બોર્ડની પરીક્ષા આગામી ૪ માર્ચથી શરૂ થઇ રહી છે તે તો તમે જાણો જ છો. હું અંદરથી એક પ્રકારની ગુંગળામણ અનુભવું છું પણ તમને ખાતરી આપું છું કે મારા મનમાં આત્મહત્યાનો વિચાર સુઘ્ધા નથી આવ્યો. તમે જ આપેલા સંસ્કારને વશ હું સામે કંઇ બોલી નથી શક્તો. રૂમમાં કોઈ વખત આંખો ભીની થઇ જાય છે. પણ, આજે થોડી મર્યાદાનું ઉલ્લંઘન કરીને આ પત્ર દ્વારા હું હળવો થવા મજબુર બન્યો છું.

પપ્પા, થોડા દિવસો પહેલાં લેવાયેલી શાળાની પરીક્ષામાં મેં ૮૦ ટકા ધાર્યા હતા તેની જગાએ મારા ૭૫ ટકા માર્કસ આવ્યા ત્યારે તમે મને માર્ગદર્શન કે હૂંફ આપવાની જગાએ મારા મિત્રોના અને કુટુંબીઓના માર્ક્સ પુછ્યા હતા. જેમના માર્ક્સ મારા કરતા વધારે હતા તેના માટે તમે એવું કહ્યું હતું કે 'પ્રાઉડ ફાધર્સ.' જાણે ઘરમાં શોક હોય તેમ આપણે બીજા દિવસે પાડોશીના લગ્નના ભોજન સમારંભમાં જવાનું હતું તે પણ તમે રદ કર્યું હતું. મમ્મીએ તો જાણે મેં કોઈ મોટો કલંકિત ગુનો કર્યો હોય તેમ મોં ચઢાવીને જ દિવસ પુરો કર્યો હતો. મમ્મી, તે મને મ્હેણું મારતી હોય તેમ એમ પણ શીખવાડ્યું હતું કે 'હવે, કોઈને ૭૫ ટકા લાવ્યો છે તેમ ના કહેતો. મેં મારી બહેનપણીઓ અને સગા-સ્નેહીઓને ૮૫ ટકા આવ્યા છે તેવું જણાવ્યું છે કેમ કે તે બધાના સંતાનોના ૮૦-૮૨ ટકા આવ્યા છે. આમ પણ વાર્ષિક પરીક્ષામાં તારે ૮૫ ટકાથી વઘુ લાવવાના જ છે એટલે આપણે તેમ કહેવામાં વાંધો નથી.'

પપ્પા, ખબર નહીં કેમ તમે અને મમ્મી મારી હાજરીમાં જ મારા અભ્યાસ માટે કેટલા હજાર રૂપિયા ખર્ચ કર્યો છે અને હજુ આગામી વર્ષોમાં કેટલી જોગવાઈ કરવાની છે તેની વારંવાર ચર્ચા કરો છો. સાથે સાથે તમારી ઓફિસના સામાન્ય આવક ધરાવતા સંતાનો ટ્યુશન કે પાયાની સવલતો વગર કેવા સારા માર્ક્સ લાવે છે તે વાત અચુક છેડો છો. મને શરૂમાં આવી વાતો વઘુ અભ્યાસ માટે પ્રેરિત કરતી હતી પણ હવે મને એવું લાગે છે કે તમારા માટે હું નર્યો આર્થિક બોજ બની ગયો છું. તમને તમારા રોકાણનું કંઇ વળતર ના મળતું હોય તેનો હિસાબ-કિતાબ મારી હાજરીમાં જ માંડો છો. મારા ભગ્ન હૃદય અને દુઃખનું કારણ એ છે કે હું તમને બંનેને અતિશય ચાહું છું. તમને ખુશ જેવા માગું છું. પણ, તમે મારા કારણે જ ઉદાસ અને ચિંતીત રહો છો. તમારા એકબીજા વચ્ચેના સંબંધોમાં પણ મારા કારણે જ તનાવમાં રહો છો નહીં ? આઈ એમ સોરી... પપ્પા... આઇ એમ સોરી મમ્મી... પણ હું તમને એક વાતની ખાતરી આપું છું કે આજે નહીં તો ભવિષ્યમાં હું તમને ગૌરવ થાય તેમ સ્વમાનભેર જીવીને બતાવીશ. પપ્પા, તમે તો જાણો છો કે મને ઇતર વાચન, પ્રવૃત્તિમાં શોખ છે. મેં જે કંઇ પ્રેરણાત્મક મેળવ્યું છે તેના આધારે તમને બંનેને કેટલાક પ્રશ્નો પુછી શકું ?

૧. શું પ્રત્યેક વિદ્યાર્થી/વ્યક્તિની જન્મજાત એકાગ્રતા કેળવવાની, ગ્રહણ કરવાની કે અમુક જ વિષય-પ્રવૃત્તિમાં રસ રૂચિ હોય તેવી કુદરતી મર્યાદા ના હોઈ શકે ? મારા તો હજુ પણ ૭૫-૮૦ ટકા માર્કસ આવે છે. પણ અથાગ પ્રયત્ન અને ઇચ્છા હોવા છતા ૫૦ ટકા જેટલું જ કોઈ વિદ્યાર્થી માર્ક્સમાં પરિવર્તિત કરી શકે. કદાચ નાપાસ પણ થઇ ના શકે ? બધા જ એકસરખા ઉજાગરા કે કોચિંગ કરીને મહેનત કરતા હોય છતા માર્ક્સ નથી લાવી શક્તા. જો એવું જ હોય તો બધા ડોક્ટરો અને આઈઆઈટી, આઈઆઈએમ કે સીએના ડીગ્રીધારીઓ જ હોય. તમારે જ નહીં તમામ વાલીઓએ પોતાનું આત્મ નિરિક્ષણ કરીને આવી કુદરતી મર્યાદાને સમજવી જોઇએ. અભ્યાસમાં નહીં તો બીજા ક્ષેત્રમાં, સાહસમાં આગળ જતા રસ-રૂચિ જાગશે. પપ્પા માની લો કે નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરવા છતા કોઈ ઓફિસમાં ક્લાર્ક પણ બનું કે કોઈપણ નાના કાર્યોમાં તક ઝડપી આગળ આવું તો તે મર્યાદાને પણ સ્વીકારવી જ રહી.

૨. બે-ચાર વર્ષ પહેલા જેઓ મારા કરતા હોંશિયાર હતા તે મિત્રો આજે રખડતા થઇ ગયા છે. મોટર સાયકલ લઇને છોકરીઓ જોડે રખડે છે. ગુટખાના પાઉચો મોંમાં ઠાલવે છે. મોબાઈલ ફોન પર કલાકો વીતાવે છે. આવી રીતે વિદ્યાર્થી કાળ હું વેડફતો નથી. મમ્મી, તમે બહાર આવીને તો જુઓ આજકાલની છોકરા-છોકરીઓની દુનિયા જોઇને તમે અકલ્પ્ય આઘાત અનુભવો. ઘણું ખરૂં તો તમે જાણો પણ છો. મારા મિત્રો રાત્રે ૧૧-૧૨ વાગે દિવસ આખો રખડીને ઘરભેગા થાય છે. તેઓની મોજ-મસ્તીની વાતો સાંભળીને કોઈવાર મને પણ તેના ગુ્રપમાં ભળી જવાનું મન થાય છે. તમે બંને (મમ્મી-પપ્પા)એ વર્ષ દરમ્યાન જે હદે મારી જોડે માનસિક સિતમ ગુજાર્યો છે તેમાંથી બહાર નીકળવા અને એકપ્રકારનો બંડ પોકારવાની મને પણ ઇચ્છા થતી હતી. પણ, તમારા પ્રત્યેની લાગણીએ મને ઉગારી લીધો છે. આમ છતા એટલું કહીશ કે મમ્મી, તમે ક્યારેય હું મારા ઘણા મિત્રો જેવો રખડુ અને ઐય્યાશી નથી તે બદલ મને પ્રોત્સાહિત કરતા પપ્પા જોડે બેસીને મારી પ્રસંશા કરી છે ખરી ? તમે તે બદલ મારા પ્રત્યે ગૌરવ વ્યક્ત કર્યું છે ?

૩. હું જે પણ માર્ક લાવું છું તે સાથે જ તમે બંને તરત જ મેળવેલા માર્કની ખુશીની સ્હેજપણ લહેરખી બતાવ્યા વગર સીધા પાંચ ટકાનો ટાર્ગેટ વધારીને કહો છો કે હજુ તારી ક્ષમતાને વધાર. જે માર્ક કપાયા છે તેવું કેમ બન્યું ? તમારો દબાણ વધારવાનો તરીકો પણ ચાલાકીભર્યો હોય છે તમે લાડ લડાવવાના ટોનમાં જે મ્હેણા મારવાના હોય છે તે સંભળાવી દેતા હો છો.

૪. તમે પુરી નિષ્ઠાથી પ્રેરણા, માર્ગદર્શન કે ઇવન ઠપકો પણ આપી શકો છો. પણ તેમાં સહજતા અને માનવીય મર્યાદાઓને સ્વીકારવાની અનુકંપા પણ રાખશો. અમારા અભ્યાસક્રમની તુલના તમારા જમાનાના શિક્ષણ સાથે ના કરશો. તેવી જ રીતે તમે કેવા ટાંચા સાધનો અને વીજળીના બલ્બ પર ફૂટપાથ પર અભ્યાસ કરતા હતા તે સંઘર્ષની અમને પ્રેરણા આપી શકો પણ તમારી તમામ શીખામણોમાં વર્તમાન અભ્યાસક્રમનું ભારણ, અપેક્ષાઓનો બોજ, હરિફાઈ અને પડકારોનો નિર્દયતાથી છેદ જ ઉડાવી દેવાય છે. અમે જાણે સમાજનું કલંક હોઈએ તે રીતનો વ્યવહાર થાય છે.

૫. પપ્પા, મારૂં એટલું નિરિક્ષણ છે કે જેઓને પ્રાથમિક અને માઘ્યમિક શિક્ષણ દરમ્યાન અભ્યાસની મહત્તા, રસ અને રૂચિ નથી હોતી તેઓને અમુક અપવાદોને બાદ કરતા અચાનક ૧૦માં કે ૧૨માં માં ૮૦-૮૦ ટકા ક્યાથી આવી શકે. મારા જે પણ મિત્રો ધો. ૧થી ૯માં સરેરાશ ૬૦-૬૫ ટકા માંડ લાવતા હોય ત્યાં સુધી તેના કુટુંબ અને સમાજને કોઈ વાંધો નથી હોતો. તેમના મમ્મી-પપ્પાએ ક્યારેય આટલા વર્ષોથી અભ્યાસની મહત્તા નથી સમજાવી. તેઓએ ક્યારેય તેમના સંતાનો જોડે સંવાદ નહોતો કેળવ્યો. તેઓ એમ જ માનતા હોય છે કે સગવડો અને વઘુમાં વઘુ રૂપિયા ખર્ચવાથી જ તેમની જવાબદારી પુરી થઇ જાય છે. હું એટલો નસીબદાર છું કે તમોએ પ્રાથમિક શિક્ષણથી જ મારી જે પણ પ્રતિભા હતી તેને બહાર લાવવા અંગત સમય આપ્યો હતો. પણ મારા એવા ઘણા મિત્રો છે જેઓ પર રાતોરાત ૮૦-૯૦ ટકા લાવવાનું દબાણ છે. રોજે રોજ તેમના પર માનસિક અત્યાચાર, માનહાનિ થાય તેવું વર્તન કરવામાં આવે છે.

૬. પપ્પા, તમે પણ ઉકેલ આપવા કરતા સમસ્યાઓ અને ફરિયાદો વઘુ કરો છો. આપણે વાતચીત કરવા કરતાં આરોપ અને ખુલાસા વઘુ કરીએ છીએ.

૭. તમે જ કહો, તમને ડાયાબીટીસ ઘણું જ રહે છે. મમ્મીનું તો વજન કેટલી હદે વધી ગયું છે. ડોક્ટરે ખાવા-પીવામાં જીભ પરનો સંયમ, નિયમિત ચાલવાની કડક સુચના આપી છે. તમને પણ આ બઘુ કરવું કેટલું પડકારજનક લાગે છે. સંયમ અને નિયમિતતાની કસોટી થાય છે. રોજ વહેલા ઉઠવાની સલાહ અવગણવી પડે છે. મને તમારા પ્રત્યે સહાનુભૂતિ છે. તેવી જ રીતે અમને પણ રોજેરોજ શિક્ષણના બોજ ને નિયમિત રીતે ઝીલતા દરેક કિસ્સામાં હોંશ ના પણ હોય. અમે પણ ધીમે ધીમે કેળવાઈએ અને કદાચ ના પણ કેળવાઈ શકીએ. આખરે તો પ્રશ્ન શિસ્ત અને સમજનો જ છે ને.

૮. મહ્દઅંશે એવું જોઉં છું કે જે પણ વિદ્યાર્થીને પોતાની જાતે અંદરથી જ વઘુ સારા માર્ક્સ કે કારકિર્દીનું ઘડતર કરવાની પ્રબળ હોંશ હોય તે ઝળકી શક્તો હોય છે. નબળા કે મઘ્યમ વિદ્યાર્થીને પ્રેરણા આપી શકાય. વાતાવરણ અને ટેકો પુરો પાડી શકાય. બહુ તો કડકાઈથી તેને પુસ્તકો સાથે આખી રાત્રિ ઉજાગરો કરાવી શકાય. પણ આ તો ઘોડાને તળાવ સુધી લઇ જવાની વાત થઇ. પાણી તો તેને જાતે જ પીવું પડે. વિદ્યાર્થી જે અભ્યાસ કરતો હોય તેના વિષય કે પ્રકરણમાં તેને પાયાની ખબર ના હોય તો ઇમારત વખતે મગજ ભમવા જ માંડે ને. આવી સ્થિતિ વચ્ચે બધાની બોર્ડ વખતે જ વાલીઓ અને સમાજ તેને જોરદાર માર્કસ લાવવાની રેસમાં મુકી દે છે. ઠપકો, અપમાન અને અવહેલનાનો દોર શરૂ થઇ જાય છે.

૯. મમ્મી,... એક બીજી વાત યાદ આવી. પ્રત્યેક વર્ષે બોર્ડનું પરિણામ આવે ત્યારે ૧૦મા કે ૧૨માં માં કોણ છે તે જાણીને તેના પરિણામ બાદ કયા વિદ્યાર્થીએ તેના વાલી કે જ્ઞાતિને ગૌરવ અપાવ્યું અને કોણે નિરાશ કર્યા તેમ 'આબરૂનું બજાર' ખડુ કરી દેવાય છે. સંતાનોને ખભે બંદૂક ફોડવામાં આવે છે. આ પરિણામ જ જાણે તેના જીવનની આખરી કુંડળી ના ઘડવાનું હોય ? મમ્મી... તને કે સમાજને પછીના વર્ષો આ જ વિદ્યાર્થીઓ ક્યાં અને કેવા અભ્યાસ કરી છે તેની જેમ લેવાની પણ પરવા છે ખરી ? પપ્પાના મિત્રએ બોર્ડમાં ૬૬ ટકા મેળવ્યા હતા તે ડૉક્ટર તો નથી બની શક્યા. પણ, તેનામાં પડેલી સાહસવૃત્તિ અને સુઝને સહારે એક હોસ્પિટલને જ ત્રણેક મિત્રોએ સાથે મળીને બનાવી છે. જી...હા, તેઓ ડોક્ટરોને નોકરીએ રાખે છે... ૯૪ ટકા મેળળી ચુકેલા બોર્ડના વિદ્યાર્થીઓને !

૫૫ ટકા મેળવનારા મારા મિત્રના મોટાભાઈને ગ્રાફિક ડિઝાઈનમાં એ હદે રસ છે કે તેમાં આગળ ડિગ્રી મેળવીને તેમણે એક ઓફિસ જ ખોલી છે. તેના હાથ નીચે બોર્ડના ૮૨ ટકા મેળવેલા એન્જીનિયરો નોકરી કરે છે. કુંદન બેનનાં પુત્રએ ૫૨ ટકા મેળવ્યા ત્યારે બધાએ તેની ઠેકડી ઉડાવી હતી પણ પપ્પા... તમને ખબર છે આજે એ શું કરે છે ? તેને માર્કેટિંગમાં રસ કેળવ્યો. લંડનમાં જઇને આ ક્ષેત્રમાં આગળ છે. મહિને ઘેર ૫૦૦ પાઉન્ડ (રૂ. ૪૦,૦૦૦) મોકલે છે.

૧૦. મમ્મી... હું તો ખરેખર એવું માનું છું કે જો બધા જ જંગી ફી ભરીને ડોક્ટરો, એન્જીિયરો, ફાર્મસી કે ઇચ્છે ત્યાં પ્રવેશ લઇ શકે તેવી રીતે બેઠકો વધારાઈ રહી છે ત્યારે સંતાનોમાં જ નહીં તમારામાં પણ આત્મવિશ્વાસ અને સન્માન કેળવાય તે રીતે ગાડરિયા પ્રવાહમાંથી બહાર આવો. મમ્મી... તું તો જાણે છે કે મને પ્રેરણાત્મક વાંચનની ટેવ છે. મેં ગઇકાલે જ વાંચ્યું હતું કે 'કંઇક બનવા કરતા કંઇક કરવાના' જીવન મંત્ર પર ભાર મુકો. નાનપણથી ગુજરાતી મારો પસંદગીનો વિષય હોઈ નિબંધમાં અને વક્તૃત્વ સ્પર્ધાનો મારો શોખ આ પત્ર લખતી વખતે કામે લગાડ્યો છે. તમારી લાગણી દુભાઈ હોય તો માફ કરજો. પણ, હું તમારા કે સમાજના મનોરોગની સામે શરણે થવાનો નથી. પુરી નિષ્ઠાથી મહેનત કરીશ. સારા માર્ક્સ આવે તો ગમશે... બાકી મંઝીલે ઓર ભી હૈ... !

અમિતાભ બચ્ચને જ હમણા એક મુલાકાતમાં જણાવ્યું હતું કે 'જો મારૂ ગમતું થાય તો મને ગમશે. નહીં થાય તો માનીશ કે ઇશ્વરની તેવી ઇચ્છા હશે. હું જાણું છું કે મારા કરતા ઇશ્વર મારી દરકાર વઘુ કરી શકશે. તે જે આપશે તે મને વઘુ અનુકુળ હશે.'

... એ જ તમારો પુત્ર...
 
 

No comments:

Post a Comment

Let me know your interest.